મુંબઈ… ભારતની આ આર્થિક રાજધાનીનું નામ આજે વિશ્વનાં અગ્રણી શહેરોમાં લેવામાં આવે છે. જોકે આ શહેરનો વૈભવ એક દિવસમાં ઊભો થયો નથી. સદીઓ પહેલાં ૭ ટાપુઓમાં વહેંચાયેલું બૉમ્બે ધીમે-ધીમે વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર બન્યું અને આ સફરમાં ગુજરાતીઓનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે.
ગુજરાતીઓ અહીં માત્ર કમાવા નથી આવ્યા. તેમણે મુંબઈને પોતાનું ઘર માન્યું છે. પોતાના ઉદ્યોગો અને વ્યવસાય દ્વારા લાખો સ્થાનિક લોકોને રોજગારી આપી, હજારો પરિવારોને આર્થિક સ્થિરતા આપી અને મહારાષ્ટ્રની સમૃદ્ધિમાં ભાગીદાર બન્યા છે. અહીં કમાયેલું ધન પણ તેમણે માત્ર પોતાના માટે નહીં, સમાજના ભલા માટે પણ ખર્યું છે. આજે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક હૉસ્પિટલો, દવાખાનાંઓ, સ્કૂલો, કૉલેજો, ધર્મશાળાઓ, વિદ્યાર્થી હૉસ્ટેલો, વૃદ્ધાશ્રમો, અનાથાલયો, ભોજનાલયો અને અન્ય સેવાકીય સંસ્થાઓ પાછળ ગુજરાતી દાતાઓનું અમૂલ્ય યોગદાન છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સેવા કરતી વખતે કોઈ ગુજરાતીએ ક્યારેય કોઈને તેમના ધર્મ, ભાષા કે પ્રાંત પૂછ્યાં નથી. મુંબઈના ગુજરાતીઓએ માનવસેવાને તેમનો પરમ ધર્મ માન્યો છે.
મુંબઈ માટે આટઆટલો ભોગ આપ્યો હોવા છતાં અમુક સમયથી એક ચિંતાજનક વલણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના અમુક મરાઠીભાષી રાજકારણીઓ ભાષાવાદ અને પ્રાંતવાદના નામે પોતાની રાજકીય રોટલી શેકવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે અને વર્ષો સુધી ભાઈચારાથી સાથે રહેતા ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે કૃત્રિમ વિવાદ ઊભો કરી રહ્યા છે. બન્ને સમાજો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે મહારાષ્ટ્રની સામાજિક એકતા માટે અત્યંત નુક્સાનકારક છે.
તાજેતરમાં જ જૈન આચાર્યોના ચાતુર્માસ દરમ્યાન તેમની પધરામણીના સ્વાગત માટે રસ્તા પર બનાવવામાં આવેલા સફેદ પટ્ટાઓને લઈને જે વિવાદ ઊભો કરવામાં આવ્યો એણે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. આ કોઈ ટ્રાફિકનો મુદ્દો નહોતો, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ કરવામાં આવેલા સ્વાગતનો એક ભાગ હતો. છતાં એને ભાષા અને પ્રાંતવાદનો રંગ આપીને ગુજરાતીઓ વિરુદ્ધ ઝેરી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. આ ઉપરાંત મુંબઈના રસ્તાઓ પર લખેલાં ગુજરાતી લખાણો પર કાળો રંગ લગાવવો, ગુજરાતી લખેલાં પાટિયાંઓની તોડફોડ કરવી, ગુજરાતી માધ્યમની સ્કૂલોનાં નામો અને ગુજરાતીઓની દુકાનોનાં બોર્ડને નિશાન બનાવવાના બનાવો માત્ર ઘટના નથી, મુંબઈ-મહારાષ્ટ્રમાં દાયકાઓથી વસતા ગુજરાતીઓના ભવિષ્ય માટેની લાલ બત્તી સમાન છે.
ગુજરાતીઓ વિરુદ્ધના આવા સતત પ્રચાર અને ઉશ્કેરણીને કારણે હવે ઘણા લોકોમાં અંદરખાને ગુજરાતીઓ પ્રત્યે દ્વેષભાવ પેદા થવા લાગ્યો છે. પરિણામે આજે ગુજરાતીઓને પરપ્રાંતીયનું લેબલ લગાડીને તેમને અપમાનિત કરવાના અને ઉતારી પાડવાના બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં તો એક મરાઠીભાષી નેતા દ્વારા ગુજરાતીઓને સરેઆમ ધમકાવવાનો કિસ્સો પણ આપણે સૌએ જોયો છે. જે ગુજરાતીઓએ પોતાના પરિશ્રમ, મૂડી અને સેવાભાવથી મુંબઈને વિશ્વસ્તરનું શહેર બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો એ જ ગુજરાતીઓને આજે બહારના ગણાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ સ્થિતિ દરેક સંવેદનશીલ વ્યક્તિને વિચારવા માટે મજબૂર કરે એવી છે.
અહીં એક વાત સ્પષ્ટ સમજવાની જરૂર છે. આ લેખ મહારાષ્ટ્ર છોડવાની હાકલ નથી કરતો અને ન તો મરાઠી સમાજ પ્રત્યે કોઈ વિરોધ વ્યક્ત કરે છે. મહારાષ્ટ્ર રાજ્યએ ગુજરાતીઓને ઘણું આપ્યું છે અને ગુજરાતીઓએ પણ મહારાષ્ટ્ર રાજ્યને દિલથી અપનાવ્યું છે. આજે પણ બહુમતી મરાઠી અને ગુજરાતી સમાજ વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનો સંબંધ છે; પરંતુ જ્યારે અમુક રાજકારણીઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે સમાજમાં વિભાજનની આગ સળગાવે ત્યારે ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવું પણ એટલું જ જરૂરી બની જાય છે.
સદીઓ પહેલાં આપણા પૂર્વજોએ દીર્ઘદૃષ્ટિથી નિર્ણય લીધો હતો. એ સમયે ગુજરાતમાં રોજગારી અને વેપારની તકો મર્યાદિત હતી. તેથી તેઓ પોતાની આગામી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે મુંબઈ આવ્યા હતા. આજે સમય બદલાઈ ગયો છે. હવે ગુજરાત વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ઝડપથી વિકસી રહેલાં નાનાં-નાનાં શહેરો, ગ્રામીણ વિસ્તારોમાં પણ વધેલી આધુનિક સુવિધાઓ, ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, વિશ્વસ્તરીય એક્સપ્રેસવે, આધુનિક બંદરો, સેમી-કન્ડક્ટર ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ, સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ અને વિદેશી રોકાણો ગુજરાતને વૈશ્વિક નકશા પર નવી ઓળખ આપી રહ્યાં છે. મૂળ તો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હોવાથી ગુજરાત રાજ્યમાં રોજગારી, ઉદ્યોગ અને જીવનની ગુણવત્તાનાં નવાં દ્વાર ખૂલ્યાં છે.
આ પરિસ્થિતિમાં હવે સમય આવી ગયો છે કે ગુજરાતીઓ માત્ર મુંબઈમાં જ નહીં, પોતાના વતન ગુજરાતમાં પણ રોજગાર અને રહેઠાણરૂપ એક કાયમી આશરો તૈયાર રાખે. આમાં કોઈનાથી પણ ડરીને કોઈએ નિર્ણય નથી લેવાનો, પરંતુ દીર્ઘદૃષ્ટિ વાપરીને ભવિષ્યનું આયોજન કરવાનું છે. જેમ આપણા વડવાઓએ આપણી આર્થિક અને સામાજિક સુરક્ષા માટે એક સમયે મુંબઈ પસંદ કર્યું હતું એમ આજે આપણે પણ આપણી આગામી પેઢીની સામાજિક સુરક્ષા, સ્વાભિમાન અને સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ એક આશરો બનાવવાની જરૂર છે.
આપણી માતૃભૂમિ આજે આપણને ફરી એક વાર આમંત્રણ આપી રહી છે. કદાચ સ્થળ બદલવાની જરૂર આજે નહીં પડે, કદાચ ક્યારેય નહીં પડે; પરંતુ જો આવતી કાલે પરિસ્થિતિ બદલાય તો આપણી આગામી પેઢી પાસે પોતાના વતનમાં સન્માનપૂર્વક જીવવાનો વિકલ્પ તૈયાર હોવો જોઈએ. ઇતિહાસ આપણને એક જ પાઠ શીખવે છે કે સમયસર લેવાયેલા દીર્ઘદૃષ્ટિપૂર્ણ નિર્ણયો જ સમાજનું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે.
અંતિમ વિચાર : ખરેખર તો આ ટ્ટરવાદીઓને બતાવવાની જરૂર છે કે ગુજરાતીઓ હવે ગુજરાત તરફ વળી રહ્યા છે અને જે ગુજરાતીઓ પ્રત્યે તમને આટલો દ્વેષ છે તે ગુજરાતીઓ જો મુંબઈ છોડીને જતા રહેશે તો મુંબઈની કોઈ ઓળખ નહીં રહે.
#રાજી_રહેજો #Raji_Rahejo #RC #રામચાવડા #POV #GMD #GujaratiMidDay Gujaratimidday.com
(લોકપ્રિય દૈનિક ‘ગુજરાતી મીડ-ડે’ની મારી સાપ્તાહિક કોલમ POV (પોઇન્ટ ઑફ વ્યૂ)માં બુધવાર તા. ૦૧/૦૭/૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલો મારો લેખ)



