ભારે વરસાદ બાદ પાણીમાં ગરકાવ થયેલો મુંબઈનો રસ્તો
Columns

કંઈ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, કયું ઝાડ ક્યારે પડશે અને ક્યાં રોડ પર કેટલા ખાડા છે તેની તો મહાનગરપાલિકાને પણ ખબર નથી…!

  વરસાદની ઋતુમાં પ્રકૃતિને, પ્રકૃતિ-પ્રેમીઓને, ખેડૂતોને, ખાવાના શોખીનોને અને ખાસ તો બાળકોને મોજ પડી જાય. પરંતુ બાકીના લોકો માટે તો આ “સાવધાન રહેવાની ઋતુ!” છે. અગાઉ ઘરમાંથી છત્રી કે રેઇનકોટ લઈને નીકળતા લોકો આજે ભગવાનનું નામ લઈને નીકળે છે. વધારે વરસાદ પડ્યો તો કયો રસ્તો તળાવ બની જશે, કંઈ ગટરનું ઢાંકણું ગાયબ થઈ જશે, વીજળીનો કયો થાંભલો ઝૂકી જશે, ક્યું ઝાડ પડી જશે અને રસ્તાના ક્યાં ખાડાઓ પોતાનું મોઢું પહોળું કરીને “શિકાર” ની રાહ જોઈ રહ્યા હશે તેનું કાંઈ નક્કી નથી. હાલમાં જે જોરદાર વરસાદ પડ્યો તેમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. અનેક લોકો અડધે રસ્તે જ ‘વર્ક ફ્રોમ વોટર લોગિંગ’ કરવા મજબૂર બન્યા. લોકલ ટ્રેનો પણ બિચારી ટ્રેક પર સ્વિમિંગ કરતી હોય તેમ ધીમી પડી ગઈ અને અમુક લોકોએ ઘર બેઠા બેઠા જ સરકારની ઘોર નિંદા કરીને પોતાની જવાબદારી સુપેરે પાર પાડી દીધી.

      આપણા શહેરોમાં વરસાદ પડે એટલે રસ્તા અને નદીઓ વચ્ચેનો તફાવત સમજાતો નથી. અમુક રસ્તાઓ તો મહાનગરપાલિકાએ બનાવેલી “વોટર સ્પોર્ટ્સ ઝોન” જેવા લાગતા હોય છે! તે ઉપરાંત આપણા રસ્તાના ખાડાઓ પણ કમાલના છે હો. આખું વર્ષ સામાન્ય કદના દેખાતા ખાડા વરસાદ પડતાં જ કોણ જાણે કેમ ‘ફુલાઈ’ અને ‘ફેલાઈ’ જાય છે? કોઈ ખાડો તો એટલો ઊંડો નીકળે કે લોકો કહી ઉઠે, ‘પાતાળલોક જવા માટેનું પ્રવેશદ્વાર અહીંયા જ ક્યાંક હોવું જોઈએ!’ જોકે આ કમાલ તો આપણે ત્યાં રસ્તા બનાવવા માટેની ટેકનોલોજીની છે, અને તેની પેટન્ટ તો કદાચિત આખી દુનિયામાં ક્યાંય નહીં હોય. નવો બનાવેલો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય અને ડામરની નીચેના કાંકરા એવી રીતે બહાર નીકળી આવે જાણે પુરાતત્વ વિભાગનું ખોદકામ ચાલી રહ્યું હોય! ટૂ વ્હીલર ચલાવનારાઓ માટે તો આ રસ્તાઓ ‘એડવેન્ચર સ્પોર્ટ્સ’ જેવા થઈ જાય છે. કયો ખાડો કમરના મણકા તોડશે અને કયો ખાડો સીધા હોસ્પિટલ ભેગા કરશે, તેની ‘રોમાંચક થ્રિલર’ સસ્પેન્સ જ રહે છે.

      હાલમાં ઝાડ પણ ઘણા પડ્યા છે. આમ જોવા જઈએ અમુક મોટી ઉંમરના ઝાડવાઓ શિયાળા અને ઉનાળામાં એકદમ સીધા ઊભાં રહે છે અને વરસાદ આવે એટલે અચાનક જ “નિવૃત્તિ” લેવાનું નક્કી કરે છે. પાછું ક્યારે અને કોની પર પડશે તેની આગાહી પણ નથી કરતા. ખરેખર તો મહાનગરપાલિકાએ પોતાના અધિકારીઓને વૃક્ષોની ભાષા શીખવવી જોઈએ, જેથી તેમને અગાઉથી ખબર પડી જાય કે કયું ઝાડ ક્યારે “નિવૃત્તિ” લેવાનું છે? જેથી મોટા ઝાડની નિવૃત્તિ પહેલા જ તેમને ‘પ્રી-મેચ્યોર રિટાયરમેન્ટ’ આપી શકાય! કમસે કમ ઝાડની નિવૃત્તિ સમયે કોઈ સ્વર્ગવાસી તો ન થાય.

      અને હવે ગટરોની વાત કરીએ! વરસાદી પાણી ઉપરથી એટલું નિર્દોષ દેખાય કે નીચે ગટર રૂપી મોક્ષનું દ્વાર છુપાયેલું છે તેની કલ્પના પણ નથી આવતી. દર વર્ષે ગટરની ઉપરના તૂટેલા અને ખુલ્લા ઢાંકણાં અનેક લોકોને પરલોક પહોંચાડી દે છે, તે છતાં દર વર્ષે વરસાદમાં આવા અનેક દૃશ્યો જોવા મળે છે. હાલમાં તો મુંબઈની મેયર સામે જ એક કર્મચારી ખુલી ગટરમાં “ભપ” થઈ ગયો હતો. નસીબજોગે મેયર સાહિબા નજીક હતા એટલે તે બચી ગયો. પણ હવે બધે તો મેયર સાહિબા પહોંચી ના શકે ને? એટલે આપણે ગટરમાં “ભપ” ના થઈએ તેનું ધ્યાન આપણે રાખવાનું. ખરેખર તો ભરાયેલા પાણીમાં ચાલતી વખતે લાકડીથી આગળની જમીન તપાસવી જોઈએ, નહિતર સીધા અંડરગ્રાઉન્ડ સફારી શરૂ થઈ જાય!

      હવે આમાં અમુક લોકો ખોટેખોટા હવામાન વિભાગ વાળા પર છાણાં થાપે છે! પણ તેમની ભૂલ નથી. તેઓ આગાહી કરે ત્યારે વરસાદ આવતો નથી અને આવે ત્યારે વગર કહે અતિથિની જેમ તિથિ-તારીખ કહ્યા વગર જ ટપકી પડે છે. તેઓ બિચારા ‘ઓરેન્જ એલર્ટ’ અને ‘રેડ એલર્ટ’ ના કલર બદલતા રહે અને વરુણદેવ પોતાના જ અલગ કલરમાં મૂડ પ્રમાણે વરસતા રહે છે. પણ સોશિયલ મીડિયાએ પ્રશાસનની મહેનત ઘણી ઘટાડી દીધી છે. કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ તેમને ફેસબુક, ટ્વિટર (X) કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને ખબર પડી જાય કે વરસાદ પછી શહેરમાં શું સ્થિતિ છે? ડિજિટલ ઇન્ડિયાનો આનાથી મોટો ફાયદો બીજો કયો હોઈ શકે?

      ખરેખર જોવા જઈએ તો મુશળધાર પડેલો વરસાદ કુદરતનો આશીર્વાદ છે. વરસાદને આપત્તિ બનાવનાર આપણું સરકારી તંત્ર અને આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે. સરકારી તંત્ર પાસેથી કામ કઢાવવાને બદલે આપણા નેતાઓ શું કઢાવે છે એ તો જગજાહેર છે. પરિણામે કરોડો રૂપિયા વાપર્યા બાદ પણ નાળા-ગટરની અને તેમાં કાયમી નિવાસ કરતા કચરાની જુગલજોડી અકબંધ રહે છે. ચોમાસા પહેલાની ‘પ્રિ-મોન્સુન કામગીરી’ ના નામે વપરાયેલા કરોડો રૂપિયા વરસાદના પહેલા જ ઝાપટામાં પાણીની સાથે વહી જાય છે. આપણી ભૂ-માતાના રસ્તાઓ તેમના દૂરના ભાઈ ચંદ્ર અને મંગળ ગ્રહ પરના ખાડા-ટેકરા ધરાવતા રસ્તાઓ જેવું સ્વરૂપ અપનાવી લે છે. અને આપણા વૃક્ષ દેવતાઓ તો યમદેવતા ના જાણે સહાયક બની જાય છે.

      અલબત્ત, આમાં ભૂલ તો નાગરિકોની જ છે. ભલે ભારે વરસાદની ચેતવણી મળી ન હોય પણ શું બહાર જોઈને ખબર નથી પડતી કે ભારે વરસાદ પડી રહ્યો છે અને ઠેરઠેર પાણી ભરાઈ ગયું છે? હવે તેઓ બહાર નીકળે અને ખુલ્લી ગટરમાં પડે કે રસ્તાના ખાડાઓને કારણે ક્યાંક નાનું મોટું લાગી જાય કે ભરાયેલા પાણીમાં વીજળીનો કરંટ લાગે કે કોઈના પર આખેઆખું ઝાડ પડી જાય તો તેમાં સરકાર શું કરે? ભૂલ તમારી છે! બહાર વરસાદમાં શું દાટ્યું છે કે ઘરમાં ટાંટિયો નથી ટકતો? તંત્ર તો બિચારું નિર્દોષ છે, એણે તો ટેક્સના પૈસા વાપરીને રસ્તા પર ‘એડવેન્ચર પાર્ક’ બનાવી આપ્યો, હવે એમાં તમને રમતા ના આવડે તો વાંક કોનો?

      અંતિમ વિચાર: આતો મોસમનો પહેલો વરસાદ છે. હજુ તો આખું ચોમાસું કાઢવાનું બાકી છે. એટલે… સાવધાન રહેજો, સતર્ક રહેજો, સુરક્ષિત રહેજો અને હા… રાજી રહેજો હો!

#રાજી_રહેજો #Raji_Rahejo #RC #રામચાવડા #POV #GMD #GujaratiMidDay Gujaratimidday.com

(લોકપ્રિય દૈનિક ‘ગુજરાતી મીડ-ડે’ની મારી સાપ્તાહિક કોલમ POV (પોઇન્ટ ઑફ વ્યૂ)માં બુધવાર તા. ૦૮/૦૭/૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલો મારો લેખ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *