કોર્પોરેટ કલ્ચર, કામના તણાવ અને વર્ક-લાઇફ બેલેન્સ દર્શાવતું દૃશ્ય
Columns

કોર્પોરેટ કલ્ચર : ટાર્ગેટ્સ, પર્ફોમન્સ, પ્રમોશન સાથે સ્વાસ્થ્યનો સંઘર્ષ

  આજના આધુનિક યુગમાં “કોર્પોરેટ કલ્ચર” શબ્દ આપણા દૈનિક જીવનના તાણાવાણા સાથે એવો વણાઈ ગયો છે કે તેના વિના આધુનિક સમાજની કલ્પના કરવી અશક્ય લાગે છે. વ્યવસાય, બેન્કિંગ, વીમા ક્ષેત્ર, શિક્ષણ અને આઈટી સેક્ટરથી લઈને હવે તો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આ કલ્ચર પ્રવેશી ચૂક્યું છે. જ્યાં કંપનીના ‘બિઝનેસ ટાર્ગેટ્સ’ અને ‘પ્રોફિટ માર્જિન’ ને જ મહત્વ આપવામાં આવે છે. આમ તો કોર્પોરેટ કલ્ચરનો વ્યાપ દરેક ક્ષેત્રમાં છે, પરંતુ અહીં આપણે મુખ્યત્વે એવા વ્યાવસાયિક અને રોજગાર ક્ષેત્રની ચર્ચા કરીશું જે સામાન્ય માણસની રોજીરોટી અને જીવનશૈલી સાથે સીધું જોડાયેલું છે.

      જો કોર્પોરેટ કલ્ચરની વ્યાખ્યા કરવી હોય તો કાર્યક્ષમતા, સ્પર્ધા, સમયપાલન, શિસ્ત અને ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ’ (પરિણામલક્ષી) કાર્યપદ્ધતિ તેના સકારાત્મક પાસાં ગણાય છે. પરંતુ તેની બીજી બાજુ ભારે ચિંતાજનક છે. આ ઝાકઝમાળ ભર્યા કલ્ચરમાં કામ કરતા કર્મચારીઓ માટે માથાના દુઃખાવા સમાન પડકાર હોય છે “ટાર્ગેટ”. કંપનીમાં સેલ્સ હોય, કસ્ટમર કેર હોય, પ્રોડક્શન હોય કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, કર્મચારીઓ પર સતત ટાર્ગેટ્સ પૂરા કરવાનું દબાણ હોય છે.

      ધીમે ધીમે આ દબાણ એટલું વધી જાય છે કે વ્યક્તિ ઓફિસના ટાર્ગેટ પૂરા કરવાની આંધળી દોડમાં પોતાના વ્યક્તિગત જીવન, પરિવારની ખુશીઓ અને સૌથી અગત્યનું એવું પોતાના સ્વાસ્થ્યને પણ કિનારે મૂકી દે છે. ટાર્ગેટ અચીવ ન થવાની સ્થિતિમાં નોકરી ગુમાવવાનો ભય, પ્રમોશનની સ્પર્ધા અને મેનેજમેન્ટની વધતી અપેક્ષાઓ એમ્પ્લોઇઝને સતત ચિંતાના ઓથાર નીચે જીવવા મજબૂર કરે છે. પરિણામે, સહુથી પહેલા તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. ત્યારબાદ તે ચીડિયાપણું, અનિંદ્રા અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક બીમારીઓમાં લપેટાઈ જાય છે. આ માનસિક તણાવ ફક્ત મન પૂરતો જ સીમિત નથી રહેતો, તે ધીમે ધીમે શરીરને પણ અંદરથી કોતરી ખાય છે.

      મેડિકલ એક્સપર્ટ્સ અને સાયકોલોજિસ્ટ્સ પણ હવે સ્વીકારે છે કે અતિશય માનસિક તણાવની સીધી અસર વ્યક્તિના શરીર પર પડે છે. ચોવીસે કલાક ટેન્શનમાં રહેતા કર્મચારીઓમાં એસિડિટી અને અપચો સામાન્ય બની ગયા છે. એક સમય હતો જ્યારે બ્લડપ્રેશર અને ડાયાબિટીસને વૃદ્ધાવસ્થાના રોગો માનવામાં આવતા, પરંતુ હવે તે યુવાનોમાં પણ ઝડપથી વધી રહ્યા છે. અનિયમિત જીવનશૈલી, અપૂરતો આરામ, મોડી રાત સુધીના શિફ્ટિંગ કલાકો, કેફીનનો અતિરેક અને કાર્યસ્થળનું અસહ્ય દબાણ યુવાનોને હાર્ટ એટેકના આરે લાવીને ઊભા રાખે છે. ઊંઘની ગોળીઓ વિના ન ઊંઘી શકતા યુવાનોની સંખ્યા કોર્પોરેટ હબ ગણાતા શહેરોમાં ચિંતાજનક રીતે વધી રહી છે.

      કોર્પોરેટ કલ્ચરના અતિશય દબાણની ક્રૂર પદ્ધતિનું સૌથી હૃદયદ્રાવક ઉદાહરણ વર્ષ ૨૦૦૫માં જાપાનમાં જોવા મળ્યું. જ્યારે તારીખ ૨૫ એપ્રિલ ૨૦૦૫ના રોજ, સવારે ૦૯:૧૯ વાગ્યે જાપાનના ઓસાકા શહેર નજીક આશરે ૭૦૦ મુસાફરોને લઈને જતી એક પેસેન્જર ટ્રેનનો ભયાનક અકસ્માત થયો. ઘટના મુજબ એક તીવ્ર વળાંક પર જ્યાં ટ્રેનની ઝડપ વધુમાં વધુ ૭૦ કિમી/કલાક હોવી જોઈતી હતી, ત્યાં ૧૧૬ કિમી/કલાકની અત્યંત જોખમી ઝડપે દોડી રહેલી ટ્રેન પાટા પરથી ફંગોળાઈ ગઈ અને એક ઈમારત સાથે અથડાઈ ગઈ. આ ભયાનક રેલ દુર્ઘટનામાં ૧૦૬ નિર્દોષ લોકોએ ક્ષણભરમાં જીવ ગુમાવ્યો હતો.

      ઉપરછલ્લી રીતે જોતાં આ અકસ્માતમાં ૨૩ વર્ષના નવયુવાન ડ્રાઈવર તાકામી ની બેદરકારી હતી, પણ તપાસમાં જે બહાર આવ્યું તેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. આ અકસ્માત પાછળ તે રેલવે કંપનીની માનસિક રીતે તોડી પાડતી સજા-પદ્ધતિ જવાબદાર હતી! કંપનીના કડક નિયમ મુજબ જો કોઈ ડ્રાઈવરથી ટ્રેન માત્ર ૬૦ સેકન્ડ પણ મોડી પડે, તો તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો. તેનો પગાર કાપી લેવાતો, તેને શૌચાલય સાફ કરવાની સજા અપાતી અને સ્ટાફ સામે તેનું ભયંકર અપમાન કરાતું. ડ્રાઈવર તાકામી અગાઉ પણ આવી ક્રૂર સજા ભોગવી ચૂક્યો હતો. અકસ્માતના દિવસે ટ્રેન ૯૦ સેકન્ડ મોડી પડતાં તેને ફરી સજા અને અપમાનનો ડર સતાવી રહ્યો હતો. જેના કારણે, સમય સરભર કરવા માટે તેણે વળાંક પર પણ ટ્રેનની સ્પીડ ઓછી ન કરી. અંતે, કંપનીના મેનેજમેન્ટે ઊભા કરેલા એ માનસિક ડર અને દબાણના લીધે ૧૦૦ થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો.

      એવું નથી કે કોર્પોરેટ કલ્ચર માત્ર નકારાત્મકતાનું જ ઘર છે. વાસ્તવમાં, કોર્પોરેટ કાર્યપદ્ધતિએ જ વિશ્વભરમાં પ્રોડક્ટિવિટી (ઉત્પાદનક્ષમતા) વધારવામાં, નવી ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં અને ગ્રાહકોને આંગળીના ટેરવે વૈશ્વિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સિંહફાળો આપ્યો છે. પ્રોફેશનાલિઝમ, ટાઈમ મેનેજમેન્ટ, એકાઉન્ટેબિલિટી (જવાબદારી) અને ટ્રાન્સપેરન્સી (પારદર્શિતા) જેવા અદ્ભુત ગુણો આ કલ્ચરની જ દેન છે. તેના કારણે લાખો યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે કરિયર બનાવવાની અને વૈશ્વિક અર્થતંત્રમાં યોગદાન આપવાની ઉત્કૃષ્ટ તકો મળી છે. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કંપનીઓ ફક્ત ‘પ્રોફીટ’ ને જ સર્વોચ્ચ સ્થાન આપે છે અને તેની પાછળ કામ કરતી માનવીય સંવેદનાઓને સાવ ભૂલી જાય છે.

      આજના ગ્લોબલાઈઝેશનના સમયમાં કોર્પોરેટ કલ્ચરથી સંપૂર્ણપણે મોઢું ફેરવી લેવું કે તેનાથી ભાગવું શક્ય નથી, કારણ કે તે આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આજની આ વાત કોર્પોરેટ કલ્ચરના બહિષ્કારની નથી, પરંતુ તેની વચ્ચે રહીને કામ અને જીવન વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું તેની છે. ખાસ કરીને યુવા પેઢીએ માનસિક સંતુલન જાળવવા માટે રોજિંદા જીવનમાં ફક્ત દસ મિનિટ માટે પણ યોગ અને મેડિટેશનને સ્થાન આપવું જ પડશે. ઓફિસમાં પણ દર બે કલાકે પાંચ-દસ મિનિટ સ્ક્રીનથી દૂર રહી મનને શાંત રાખવાની કળા શીખવી પડશે. કોર્પોરેટ જગતના ટોચના સીઇઓથી લઈને સામાન્ય એમ્પ્લોઇઝ સુધીના દરેક વ્યક્તિએ એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે પ્રમોશન અને શાનદાર પેકેજ ચોક્કસ મહત્વના છે, પણ તે બધું તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના ભોગે તો બિલકુલ ના હોવા જોઈએ!

      અંતિમ વિચાર : પ્રગતિ અને વિકાસના પાટા પર સ્પીડ વધારવી જરૂરી છે, પણ ગાડી એટલી ફાસ્ટ પણ ન હોવી જોઈએ કે કોઈ વળાંક આવતા વ્હીલની સાથે સાથે જીવનની શાંતિ, સામાજિક સંબંધો અને પારિવારિક સુખ પણ પાટા પરથી ઉતરી જાય!

#રાજી_રહેજો #Raji_Rahejo #RC #રામચાવડા #POV #GMD #GujaratiMidDay Gujaratimidday.com

(લોકપ્રિય દૈનિક ‘ગુજરાતી મીડ-ડે’ની મારી સાપ્તાહિક કોલમ POV (પોઇન્ટ ઑફ વ્યૂ)માં બુધવાર તા. ૨૪/૦૬/૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલો મારો લેખ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *